અંગ્રેજી ભાષાની પરીક્ષાના માર્ક્સ મેરિટમાં જોડવામાં આવશે
નવી દિલ્હી : યુપીએસસીની પરીક્ષાપદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. નવી પરીક્ષાપદ્ધતિ અનુસાર અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી અનિવાર્ય બની ગઈ છે. આ પરીક્ષાના માક્ર્ર્સ મેરિટમાં જોડવામાં આવશે. પહેલાં અંગ્રેજીની સાથે સાથે કોઇ એક ભારતીય ભાષાની પરીક્ષામાં લઘુતમ માર્ક્સ મેળવવા અનિર્વાય હતા, જોકે તેના માક્ર્ર્સ મેરિટમાં જોડાતા નહોતા. હવેથી તમામ ફેરફારો સાથે જાહેર કરાયેલા હુકમનામાના આધારે ૨૦૧૩માં યુપીએસસીની પરીક્ષા યોજાશે.
યુપીએસસીની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને આઇઆરએસના અધિકારીઓ બનીને દેશનો વહીવટ સંભાળે છે, જોકે પરીક્ષાપદ્ધતિમાં વીસ વર્ષ પછી થયેલાં પરિવર્તનને કારણે રાજકીય વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને શિવસેનાએ તેને મરાઠીઓની ઉપેક્ષા ગણાવીને સડકથી સંસદ સુધી વિરોધ કરવાનું નક્કી કર્યુ છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો મરાઠીને વૈકલ્પિક વિષય તરીકે માન્યતા આપવામાં નહિ આવે તો તે મહારાષ્ટ્રમાં આઇએએસની પરીક્ષા યોજવા નહિ દે. શિવસેનાએ આ નિર્ણયને મરાઠીઓ વિરુદ્ધ ગણાવીને આંદોલન જાહેર કરી દીધું હતું, ઉપરાંત અન્ય વિપક્ષી સભ્યો પણ સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.ગુરુવારે શિવસેનાએ રાજ્યસભામાં આ મુદ્દે જોરશોરથી વિરોધ નોંધાવ્યો હતો.
શું ફેરફાર કરાયો ?
નવા ફેરફાર અનુસાર અંગ્રેજી પરીક્ષા અનિર્વાય કરી દેવામાં આવી છે. અંગ્રેજી પરીક્ષામાં પ્રાપ્ત થતા માક્ર્ર્સને મેરિટ સાથે જોડાશે, ઉપરાંત બીએમાં જે વિષય સાથે અભ્યાસ કર્યો હશે તેને જ લોકો સાહિત્યના વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. અગાઉ અંગ્રેજીની સાથે સાથે ભારતીય ભાષામાં લઘુતમ માક્ર્ર્સ મેળવવા જરૂરી હતા. આ પરીક્ષાના માક્ર્ર્સ મેરિટમાં જોડાતા નહોતા.
વિરોધ શા માટે ?
રાજકીય વિરોધપક્ષો તેને લોકવિરોધી નિર્ણય ગણાવી રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે ભારતીય ભાષાઓની ઉપેક્ષાનું સરકારે મોટું પરિણામ ભોગવવું પડશે. ભાજપે જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષામાં ભાષાકીય છૂટછાટ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને તેને કારણે પ્રાદેશિક વિદ્યાર્થીઓને ખૂબ જ મોટી તક મળે છે, જો તેને નાબૂદ કરી દેવાશે તો તે લોકવિરોધી અને વિકાસવિરોધી ગણાશે. અમે તેનો સંસદમાં વિરોધ ઉઠાવીશું.
ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ફાયદો
નિષ્ણાતો જણાવે છે કે યુપીએસી પરીક્ષાપદ્ધતિમાં કરાયેલા ફેરફારને કારણે અંગ્રેજી માધ્યમની સ્કૂલો અને કોલેજોમાં ભણેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે, જ્યારે ભારતીય ભાષાઓનાં માધ્યમમાં શિક્ષા મેળવનારા વિદ્યાર્થીઓને નુકસાન થશે. ખાસ કરીને દલિતો અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મોટું નુકસાન થશે, જેમાં મોટાભાગનાં લોકો પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ મેળવે છે.
ઓછામાં ઓછા ૨૫ વિદ્યાર્થીઓ હોય તો જ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લેવાશે
અમદાવાદ : યુપીએસસી પરીક્ષામાં મોટાપાયે ફેરફારો આવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ધો. ૧૨ સુધી ભલે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય પરંતુ તેમણે સ્નાતકની ડિગ્રી અંગ્રેજી માધ્યમ સાથે લીધી હોય તો તેમણે ફરજિયાત અંગ્રેજી માધ્યમમાં જ પરીક્ષા આપવાની રહેશે. ટૂંકમાં સ્નાતક સુધી ગુજરાતી માધ્યમ રાખનાર વિદ્યાર્થી જ હવે યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતી માધ્યમ રાખી શકશે. યુપીએસસીના આ ફેરફાર સામે ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે અને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.
આઇએએસ-આઇપીએસ અને આઇઆરએસ સહિતના સનંદી અધિકારી બનવા માટે યુપીએસસીની પરીક્ષા લેવાઇ છે. આ પરીક્ષામાં ધો. ૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર અને ધો. ૧૨ પછી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી યુપીએસસીની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં આપી શકતો હતો. હવે ધો. ૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોઇ પરંતુ તેને ધો. ૧૨ પછીના સ્નાતકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં કર્યો હોઇ તો તેને ફરજીયાત અંગ્રેજી માધ્યમમાં જ પરીક્ષા આપવાની રહેશે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછા ૨૫ વિદ્યાર્થીઓ હોઇ તો જ યુપીએસસી ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લેશે. જો ૨૫ વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવા માટે ન થાય તો તેવા વિદ્યાર્થીઓએ ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપવાની રહેશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમ રાખીને તેઓ કોલેજમાં જે વિષયોનો અભ્યાસ કર્યાે ન હોઇ તેવા વિષયો રાખીને પણ યુપીએસસી પાસ કરતા હતા. ગુજરાતના વિદ્યાર્થીઓ મોટાભાગે ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો રાખીને યુપીએસસી પાસ કરતા હતા, પરંતુ અંગ્રેજી માધ્યમમાં આ વિષયોની તૈયારી કરવી પણ મુશ્કેલ હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે.
યુપીએસસીની પરીક્ષામાં વિષય તરીકે ગુજરાતી સાહિત્ય રાખવા માંગતા વિદ્યાર્થીઓએ સ્નાતક સુધી ગુજરાતી વિષય રાખ્યો હશે તો જ તેમને ગુજરાતી સાહિત્ય વિષય રાખવાની મંજૂરી અપાશે. અત્યાર સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ગુજરાતી સાહિત્ય વિષય રાખી શકતો હતો, જે હવે રાખી શકશે નહીં. આ બાબતે યુપીએસસીની પરીક્ષા સાથે સંકળાયેલા સુત્રોના કહ્યા પ્રમાણે પરીક્ષા પહેલા જ આવો ફેરફાર કરાતા વિદ્યાર્થીઓમાં ભારે અંસતોષ ફેલાઇ ગયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલન કરવાની પણ ચેતવણી ઉમેદવારોએ ઉચ્ચારી છે.
કોચિંગ નિષ્ણાતોનું કહેવું છે કે...
એકતરફ યુપીએસસી ગુજરાતીમાં ઇન્ટર્વ્યુ આપવા માગતા વિદ્યાર્થીઓ માટે દૂભાષિયાની વ્યવસ્થા કરે છે, બીજી તરફ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિદ્યાર્થીઓ (પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓને) માટે હળાહળ અન્યાયરુપ નિર્ણય કરે છે તે વ્યાજબી નથી. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવવો જોઇએ. ગુજરાતીમાં આઇએએસની મુખ્ય પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આ નિર્ણયથી નુક્સાન થશે તેમાં કોઇ બેમત નથી.'
કોચિંગ નિષ્ણાંત જગદીશ પટેલે જણાવ્યું કે, 'ગુજરાતના જે વિદ્યાર્થીઓ બે-ત્રણ વર્ષથી ગુજરાતીમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે તેમનું શું થશે તે વિચારવાની તસ્દી લેવાઇ નથી એટલું જ નહીં, ગુજરાતીમાં ભણ્યા હોય અને ગ્રેજ્યુએશન અંગ્રેજી માધ્યમમાં કર્યું હોય તો આવા વિદ્યાર્થીઓએ ફરજિયાત પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં આપવી પડે તે વાત કોઇપણ રીતે તર્કસંગત નથી.
No comments:
Post a Comment