Thursday, May 17, 2012

હવે ટોફેલની ફી રૂપિયામાં ભરી શકાશે


પૂણે, તા. ૧૭
વિદેશ અભ્યાસ માટે જરૂરી ટોફેલની પરીક્ષાની ફી હવે ભારતીય રૂપિયામાં પણ ભરી શકાશે. ટોફેલની પરીક્ષા આપવા માગતા લોકો હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ફી ભરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકશે.
આ પરીક્ષા માટે હવે અમેરિકન ડોલરમાં જ ફી નહીં ભરવી પડે,જેને લીધે ભારતના ઘણાં વિદ્યાર્થીઓને ખર્ચમાં બચત થવાની સંભાવના છે. રૂપિયા સિવાય હવે ટોફેલની ફી યુરો, યેન અને વોનમાં પણ ભરી શકાશે. રૂપિયામાં ફી ભરનારા વિદ્યાર્થીઓએ મોટાભાગની ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ દ્વારા વસૂલાતી કરન્સી એક્સ્ચેન્જ ફી પણ ચૂકવવી પડશે નહીં.
ઇટીએસનાં ગ્લોબલ ડિવિઝનનાં વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ડેવિડ હન્ટે એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ટેસ્ટ આપનારા લોકોએ આપેલી પ્રતિક્રિયાના આધારે ટોફેલની નોંધણી પ્રક્રિયામાં આ સુધારો કરવામાં આવ્યો છે. ભારતનાં વિદ્યાર્થીઓ માટે ટેસ્ટની પ્રક્રિયા વધુ સરળ બને એ માટે ઇટીએસએ આ પગલું લીધું છે.
આ નિવેદનમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓની હિસ્સેદારી વધે તે માટે અમે વિશ્વના અન્ય ચલણોમાં ફી સ્વીકારવાનો લક્ષ્યાંક અપનાવ્યો હતો. રૂપિયામાં ફી સ્વીકારવી એ આ લક્ષ્યાંકના ભાગરૂપે લેવાયેલું પગલું છે. નવેમ્બરમાં ઇટીએસે ટોફેલની પરીક્ષાના માળખામાં એક મહત્વનો ફેરફાર કર્યો હતો. ટોફેલની રીડિંગની પરીક્ષામાં હવે તમામ ફકરાં અને પ્રશ્નોને સમય આધારિત સીંગલ બ્લોકમાં મૂકી દેવામાં આવ્યાં છે, અગાઉ રીડિંગ સેક્શન અલગ અલગ સમયબદ્ધ ભાગોમાં વહેંચાયેલું હતું. ટેસ્ટ આપનારાઓ આખું રીડિંગ સેક્શન ઝડપથી પૂરું કરી શકે તે માટે આ પગલું ભરાયું હતું.
 
 
ટોફેલની પરીક્ષા શા માટે?
 
ટોફેલ અંગ્રેજી ભાષાની ક્ષમતાની કસોટી કરવા માટે લેવાતી પરીક્ષા છે. વિદ્યાર્થીનું અંગ્રેજીનું જ્ઞાાન ચકાસવા માટે ૮,૫૦૦ કરતા પણ વધુ સંસ્થાઓ તેનો માપદંડ તરીકે ઉપયોગ કરે છે. ટોફેલ એ અંગ્રેજી ભાષા માટે વિશ્વભરમાં સૌથી વધારે સ્વીકૃતિ ધરાવતી કસોટી છે. અંગ્રેજીના ઉપયોગ અને સમજણની ક્ષમતાને આ કસોટીમાં માપવામાં આવે છે. આ કસોટીમાં પરીક્ષા આપનાર અંગ્રેજી સાંભળવા, બોલવા, વાંચવા, બોલવા અને લખવામાં કેટલી સજ્જતા ધરાવે છે તેનો ક્યાસ કાઢવામાં આવે છે.