Tuesday, January 22, 2013

ઓટોરિક્ષા ચાલકની દીકરી ઓલ ઈન્ડિયા સીએમાં ટોપર


મુંબઇ, તા.૨૨
  • પ્રેમા જયાકુમાર મુંબઇના મલાડ વિસ્તારમાં આવેલી ચાલીમાં રહે છે
  • ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તેની સ્કોલરશિપમાંથી જ ફી ભરી દેતી હતી
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીઓ પાર કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આવો જ મક્કમ ઇરાદાનું ઉદાહરણ મુંબઇ સ્થિત રિક્ષા ચાલકની પુત્રી પ્રેમા જયાકુમારે પુરુ પાડયું હતું. ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પરીક્ષામાં પ્રેમા કુમારે તમામ ઉમેદવારોને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. પ્રેમા જયાકુમાર મુંબઇના મલાડ વિસ્તારમાં આવેલી ચાલીના એક રૂમમાં પોતાના માતા-પિતા અને ભાઇ સાથે રહે છે.
ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા નવેમ્બર મહિનામાં હાથ ધરેલી પરીક્ષામાં પ્રથમ ક્રમ હાંસલ કરનારી પ્રેમા જયાકુમારે જણાવ્યું હતું કે, આ મારી જીવનભરની કમાણી છે અને મારા માટે સફળતાની ચાવી સખત મહેનત સિવાય બીજુ કશું જ નથી. ૮૦૦માંથી ૬૦૭ માર્ક્સ પ્રાપ્ત કરનારી પ્રેમા પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપે છે અને તેમનું બાકીનું જીવન શાંતિથી પસાર કરાવવા માગે છે.
પ્રેમો જણાવ્યું હતું કે તેને પોતાના માતા-પિતા પર ગર્વ છે. તેમણે ક્યારેય મારા અભ્યાસક્રમ દરમિયાન પૈસાની તકલીફ પડવા દીધી નથી. પ્રેમાની સાથે તેના ૨૨ વર્ષીય ભાઇએ પણ સી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. બન્ને ભાઇ-બહેનોએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સાથે જ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું હતું. અગાઉ પ્રેમા મુંબઇ યુનિર્વિસટી દ્વારા યોજાયેલી બી.કોમ.ની ત્રીજા વર્ષની પરીક્ષામાં પણ સમગ્ર યુનિર્વિસટીમાં ૯૦ ટકા માર્ક્સ સાથે બીજા ક્રમે આવી હતી.
પ્રેમાનો સંઘર્ષ
વર્ષ ૨૦૦૮માં બી.કોમ.ની પરીક્ષા પાસ કર્યા બાદ પ્રેમાએ ડિસેમ્બર ૨૦૦૮માં આઈસીએઆઈ દ્વારા યોજાયેલી કોમન પ્રોફિસિયન્સી ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. નવેમ્બર ૨૦૦૯માં તેણે બન્ને ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પિટન્સ એક્ઝામિનિશન પાસ કરી હતી. પ્રેમાની સાથે જ સી.એ.ની પરીક્ષા પાસ કરનારો તેનો ભાઇ ધનરાજ જણાવે છે કે, અમને ભણાવવા માટે અમારા માતા-પિતા બન્ને કામ કરતાં હતાં. અમે અભ્યાસની સાથે સાથે કામ પણ કરતાં હતાં તેમાંથી જ સીએની ફી પણ ભરતાં હતાં. મારી બહેન ખૂબ જ હોશિયાર છે અને તે તેની સ્કોલરશિપમાંથી જ તેની ફી ભરી દેતી હતી. બીજીબાજુ પ્રેમા જણાવે છે કે, મેં હંમેશાં નોંધ્યું હતું કે, સીએની પરીક્ષામાં ઘણાં બધાં લોકો નાપાસ થાય છે. જોકે અમે સવારે સાડા સાતથી રાતના બાર વાગ્યા સુધી સતત વાંચતાં હતાં. રાત્રે અમે આરામથી ઊંઘી જતાં હતાં.